ગુરુવાર, 8 માર્ચ, 2012

ભગવા નીચે લોહી


સામાજિક ન્યાયનો સત્તાવાર અર્થ

સામાજિક ન્યાય શું છે? બહુ વપરાયેલો, ચવાઈને ચુથ્થો થઈ ગયેલો શબ્દ? કે પછી ચોક્કસ વર્ગોને આકર્ષવા માટેની માર્કેટીંગ વ્યૂહરચના?

સામાજિક ન્યાય વિષે ભારતનું બંધારણ, માનવ અધિકારના ચેમ્પિયનો કે દલિત-શોષિત કર્મશીલો ગમે એટલાં બણગાં ફૂંકતા હોય, પણ ગુજરાતમાં સામાજિક ન્યાયનો અધિકૃત, સત્તાવાર અર્થ કોઇને ખબર નથી.

બીજા કોઈ માટે ભલે આ નિસબતનો વિષય ના હોય, ગુજરાતના દલિતોએ તો સામાજિક ન્યાયનો સત્તાવાર અને સંદર્ભમાં સાચો અર્થ જાણવો જ જોઇએ. આ અર્થ ગુજરાતના દુશ્મનોએ ઉપજાવ્યો નથી. આ અર્થ ગુજરાતની અસ્મિતાની દુહાઈ દેનાર ગુજરાતી સપુતોએ ઉપજાવ્યો છે અને પાંચ કરોડ ગુજરાતીઓના સ્વાભિમાનની માળા જપનારા હાલના શાસકોએ સ્વીકાર્યો છે.

શું છે સામાજિક ન્યાયનો અર્થ ગાંધીના ગુજરાતમાં ? આ પ્રશ્નનો જવાબ મેળવવા તમારે ગુજરાત ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિ (રચના અને કાર્યો) નિયમો, ૧૯૬૧ વાંચવો પડશે. સમાજના દલિત-શોષિત-વંચિત સમુદાયોને, નબળા વર્ગોને સામાજિક ન્યાય પૂરો પાડવા માટે આ કાયદો ઘડવામાં આવ્યો છે. આ કાયદાએ ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિની રચના અને કાર્યો નક્કી કર્યો છે.

સામાજિક ન્યાયના કહેવાતા ઉમદા આશયને ચરિતાર્થ કરવા ઘડાયેલો આ કાયદો ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિને કેવી કામગીરી સોંપે છે? તે જાણાવે છે કે સામાજિક ન્યાય સમિતિએ "મડદાંનો પદ્ધતિસર નિકાલ થાય તે જોવું અને નધણિયાતાં મડદાં અને શબોના નિકાલ માટે સાધનો પૂરા પાડવાં અને નધણિયાતાં મડદાં-શબોના નિકાલ હેતુ માટે સ્થળો નક્કી કરવા."

સામાજિક ન્યાય સમિતિમાં, વાલ્મીકી (સફાઈ કામદાર) કોમનો એક સભ્ય; અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓમાંથી ત્રણ સભ્યો; અને અનુસૂચિત જાતિઓમાંથી એક મહિલા સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સમિતિની કાયદાએ નિર્ધારિત કરેલી કામગીરી અને સમિતિનું ચરિત્ર સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકારે ગાય, ભેંસ, કૂતરાં, બિલાડા સહિતના તમામ પશુઓને અવલ મંજિલે પહોંચાડવાની ‘ઉમદા' કામગીરી સામાજિક ન્યાય સમિતિઓના માથે થોપી દીધી છે. આ જોગવાઈ કે કાનૂની જવાબદારી સામાજિક ન્યાયનો સત્તાવાર અર્થ વ્યક્ત કરે છે.

ગુજરાતમાં પંચાયતનો કાયદો ઘડનારાઓએ નાગરિક હક્ક સંરક્ષણ અધિનિયમ, ૧૯૯૫ ક્યાં તો વાંચ્યો નથી, વાંચ્યો છે તો અનું હાર્દ સમજ્યા નથી. અસ્પૃશ્યતાના આચરણને સ્પષ્ટ શબ્દોમાં વ્યાખ્યાયિત કરતા અધિનિયમની કલમ ૭ (અ) ૧ જણાવે છે:  "જે કોઈ વ્યક્તિ અસ્પૃશ્યતાને કારણે કોઈ વ્યક્તિ પાસે સફાઈ કરાવે કે ઝાડુ વળાવે અથવા કોઈ મડદું ખસેડાવે અથવા કોઈ પ્રાણીની ચામડી ઉતરાવે અથવા નાળ દૂર કરાવે અથવા તેવા પ્રકારનું બીજું કઈં કરાવે તેણે અસ્પૃશ્યતામાંથી ઉભી થતી કોઈ બાધાનું પાલન કરાવેલું ગણાશે."

સવાલ  એ છે કે આ દેશનો સામાન્ય નાગરિક કોઈ દલિતને માથે મેલું ઉપાડવાની કે મુડદાલ ઢોર ખેંચવાની ફરજ પાડે તો એ અસ્પૃશ્યતાનું આચરણ ગણાય અને રાજ્ય પોતે આવી કામગીરી અનુસૂચિત જાતિના (અને એ પણ પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોના) માથે થોપે તો એને શું સામાજિક ન્યાય' કહેવાય?

કાયદાના નિષ્ણાતો એવું કહેશે કે, આ રાજ્ય-પ્રેરિત અસ્પૃશ્યતા નથી, બલકે કાયદામાં રહી ગયેલું એક છિદ્ર છે. ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૬૧ ઘડાયો ત્યારથી સામાજિક ન્યાય સમિતિના કાર્યોમાં મરેલા ઢોર ખેંચવાની કામગીરી સામેલ કરી દેવામાં આવી છે ત્યાર બાદ, વખતો વખત બહાર પડતાં જાહેરનામાઓ અને પરિપત્રોમાં મરેલા ઢોર ખેંચવાની જવાબદારીનો ઉલ્લેખ કરવાનું જે તે સમયેની સરકારો ચૂકતી નથી. અર્થાત્ કાયદાનું આ કોઈ છિદ્ર નથી, બલ્કે એક ચોક્કસ સામાજિક પૂર્વગ્રહ અને ભેદભાવને આપવામાં આવેલી કાનૂન સ્વીકૃતિ છે.

સામાજિક ન્યાય સમિતિઓને લગતો આવો ભયાનક કાયદો વિધાનસભામાં ઘડાયો ત્યારે મૂંગા મોઢે બેસી રહેનારા મૂર્ખ, -શિક્ષિત અને રોંચા જેવા પોતાના પ્રતિનિધિઓ માટે ગુજરાતના દલિતોએ કેવા પ્રકારની સજા જાહેર કરવી જોઇએ?

૧૯૭૫નો કાયદો રદ્દ કરીને કેટલાક શાબ્દિક ફેરફારો સાથે ૧૯૯૫નો ધારો અસ્તિત્વમાં આવ્યો હતો. સામાજિક ન્યાય સમિતિઓ અંગેનો ૧૯૯૫નો ધારો આપણા કાનૂનના ઘડવૈયાઓના અસહ્ય તર્ક અને અવાસ્તવિક ધારણાઓથી ખરડાયેલો છે. સમિતિના કેટલાંક કાર્યો પર નજર નાંખો:

"() ગામ રાસ્તા પરની લાઇટો હોય, તો સમાજના નબળા વર્ગોના લતામાં રસ્તા પરની લાઇટોની વ્યવસ્થા પર દેખરેખ રાખવી.

() સામાન્ય લોકો નહાવા-ધોવાની સગવડ હોય, તો સમાજના નબળા વર્ગો માટે પણ આવી સગવડ પાછળ દેખરેખ રાખવી."

આનો અર્થ એવો થયો કે, સામાન્ય લોકો માટે સ્ટ્રીટ લાઈટ, નહાવા-ધોવાની સગવડો ના હોય, તો અસામાન્ય લોકોએ (એટલે કે નબળા વર્ગોએ) ક્યારેય આવી બધી સગવડો માટે વિચારવું નહી ! ખરેખર તો આવી સગવડો નબળા વર્ગોને અગ્રિમતાના ઘોરણે મળવી જોઇએ. પરન્તુ આમાં એ જ સદીઓ જૂની માનસિકતા છતી થાય છે કે અમને ઉજળિયતોને આવી સગવડ પ્રાપ્ય થઈ ના હોય, તો તમને હલકી વૈણને આવી સગવડોના અભરખાં શેના થાય છે?"

કોગ્રેંસના શાસનમાં ઘડાયેલો કાયદો ભાજપના શાસનમાં બરકરાર છે. દંભી બિનસાંપ્રદાયિકોનું રાજ હોય કે હિન્દુ કોમવાદીઓનું રાજ હોય, સામાજિક ન્યાયનો અર્થ બદલાયો નથી.

કૂતરાં, બિલાડાં અને દલિતોની સ્મશાનભૂમિ નથી.

ભારતમાં કૂતરાં, બિલાડાં અને દલિતો વચ્ચે શું સમાનતા છે? એ એવા પ્રાણીઓ છે, જેમની કોઈ સ્મશાનભૂમિ નથી. હકીકતને યથાયત રજુ  કરૂં તો ક્યારેક કૂતરાં, બિલાડાને દફનાવવા માટે ચોક્કસ સ્થળ હોય છે, પરન્તુ દલિતો એવું કોઈ સ્થળ ધરાવતા નથી, જ્યાં તેઓ તેમના મૃતકોને દાટી શકે. વિચિત્ર લાગે છે નહીં? પરન્તુ એ જીવનનું કડવું અને સરળ સત્ય છે. ગુજરાતના મોટા ભાગના ગામડાઓમાં દલિતોની પોતાની સ્મશાનભૂમિ નથી.

૧૯૧૧ના સેન્સસમાં અસ્પૃશ્યોને સ્પૃશ્ય સવર્ણોથી અલગ પાડવા નક્કી કરાયેલા દસ માપદંડોમાં એક માપદંડ એવો હતો કે દલિતો તેમના મૃતકોને દાટે છે. સવર્ણોની સ્મશાનભૂમિથી અલગ, જમીનના એક ટુકડા પર પોતાના મૃત સ્વજનોને દાટતા દલિતોની આ સ્મશાનભૂમિઓ ઐતિહાસિક રીતે રેવન્યૂ રેકર્ડમાં ક્યારેય ‘સ્મશાનભૂમિ' તરીકે નોંધવામાં આવી નથી, સરકારી પરિભાષાની રીતે કહીએ તો નીમ કરવામાં આવી નથી. ‘ગૌચર' કે સરકારી ખરાબા'ના નામે સરકારી દસ્તાવેજોમાં નોંધાયેલી, સવર્ણોના સ્વચ્છંદી ભોગવટાનો ભોગ બનેલી આ પ્રકારની જમીનો ગામડામાં દલિતોની અસહાયતાનું માઉન્ટ એવરેસ્ટ છે.

બનાસકાંઠા દલિત સંગઠનના માસિક દલિત અધિકારના ઑગસ્ટ, ૨૦૦૪ના અંકમાં પ્રગટ થયેલો એક નાનકડો અહેવાલ આ હકીકતની ગવાહી પૂરે છે:

"બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના હોડા ગામે બાબુભાઈ હેમાભાઈ સોલંકી નામના વાલ્મીકીભાઈનું બાળક મૃત્યુ પામ્યું હતું. દલિતોએ એમની પરંપરાગત સ્મશાનભૂમિમાં બાળક દાટયું. થોડાક સમય પછી ગામના પટેલોએ એ જ જગ્યાએ, એમના પૂજ્ય પિતાશ્રીનું ખેતર હોય એમ ખેડ્યું. ખેડતાં ખેડતાં વાલ્મીકી બાળકની લાશ ઉપર આવી ગઈ તો તેની પર લાકડાં ગોઠવીને વાડ કરી નાંખી હતી."

શહેરોમાં પોતાના મૃત સ્વજનોને બળતાં દલિતોને આ વાસ્તવિકતાનું ભાન નથી. ભગવાથી ભરમાઈને મુસ્લિમો સામે લડતા દલિતોને લવલેશ ખબર નથી કે તેમના પૂર્વજોની સમાધિઓ સાથે સવર્ણ હિન્દુઓ સદીઓથી કેવો અધમ વહેવાર કરતા આવ્યા છે.

રૂપપુર: કબ્રસ્તાન માટે દલિતોની લડાઈ

પાટણ જિલ્લાના રૂપપુર ગામની સાંકડી, ગોબરગંદી ગલીઓમાંથી લગભગ ૮૦ જેટલા જમીનવિહોણાં કુટુંબો નવમી એપ્રિલ, ૨૦૦૩ની ભરબપોરે હિજરત કરીને નીકળ્યા હતા, ત્યારે તેમની ઉંટગાડીઓ પર ટિંગાડેલ સૂત્રો કૈંક આવા હતા: "રામજન્મભૂમિનો મુદ્દો હિન્દુઓની લાગણીનો સવાલ ગણાતો હોય, તો દલિતોની સ્મશાનભૂમિનો મુદ્દો લાગણીનો સવાલ નથી?" અને "દલિતોની સ્મશાનભૂમિ છીનવીને હિન્દુરાષ્ટ્રનો સંકલ્પ સાકાર થશે?"

રૂપપુરમાં માત્ર દલિતો જ નહીં, પછાતવર્ગના રાવળો પણ તેમના મૃતકોને ગામના સીમાડે આવેલી પરંપરાગત સ્મશાનભૂમિમાં દાટતા હતા. પાટણ-ચાણસ્માનો નવો હાઇવે બનતા આ સ્મશામનભૂમિ રાતોરાત ‘પ્રાઇમલેન્ડ' બની ગઈ હતી. સરકારી દફતરમાં "ગોચર"ના નામે બોલાતી આ જમીન ગામના સમૃદ્ધ, જમીનદાર પટેલોએ એક કાવત્રુ રચીને હડપ કરી લીધી. ૧૨,૪૬૮ ચોરસ મીટરની જમીન રાતોરાત ગ્રામપંચાયતમાં ઠરાવ કરીને પટેલોના હરિસિદ્ધ ટ્રસ્ટને સોંપી દીધી. ગામનો પટેલ સરપંચ આ ટ્રસ્ટનો મેનેજીંગ ટ્રસ્ટી છે.

દલિતો-રાવળોએ જ્યારે વિરોધ કર્યો ત્યારે ગામના પટેલોએ તેમનો સામાજિક બહિષ્કાર કર્યો. ત્યાર બાદ, કાઉન્સિલ ફોર સોશલ જસ્ટિસના સેક્રેટરી વાલજીભાઈ પટેલની આગેવાની હેઠળ શરૂ થયેલી દલિતો-રાવળોની સ્મશાનભૂમિ માટેની લડાઈ ગુજરાતમાં દલિતોની આત્મ-સમ્માન માટેની ચળવળનું એક જ્વલંત પૃષ્ઠ છે. એની વિગતવાર તપસીલ અલબત્ત એક અલગ ગ્રંથનો વિષય છે. પણ, આ લડત દરમિયાન કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.

રૂપપુર નિરમાના માલિક કરશન પટેલનું વતન છે અને ગુજરાતના શિક્ષણ પ્રધાન આનંદીબેન પટેલના મત વિસ્તાર હેઠળ આવે છે. હાઇકોર્ટમાં પટેલોનો કેસ લડવા ગુજરાત રાજ્યનો એડવોકેટ જનલર પોતે ઉપસ્થિત થયો હતો.

સામાજિક ન્યાય સમિતિઓની કામગીરી

સામાજિક ન્યાય સમિતિઓ વાસ્તવમાં કેવી કામગીરી બજાવે છે? રાજુ સોલંકીના તંત્રીપદે પ્રગટ થતા સામયિક ‘દલિત અધિકાર'માં મીનાક્ષી પરમારે કરેલું એક સર્વેક્ષણ ડિસેમ્બર, ૨૦૦૪માં પ્રગટ થયું હતું.

આ સર્વેક્ષણના તારણો નીચે મુજબ છે:

પાલનપુર તાલુકાના સર્વેક્ષણ હેઠળના ૮૬ ગામો પૈકીના એક પણ ગામમાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષને બેસવાની વ્યવસ્થા નથી.

૮૬ ગામોમાંથી માત્ર બાદરપુરા, સોત્રા, ગઠામણ, અલેસણ, ટાકરવાડા, સાગરોસણા, જગણા, વાસણા, સરીપડા, દલવાડા, ચણેતર સહિતના ૧૧ ગામોમાં જ દલિતોની સ્મશાનભૂમિ નીમ નથી છે. બાકીના ૭૫ ગામોમાં સ્મશાનભૂમિ નીમ થઈ નથી. એટલે કે દલિતો પોતાની સ્મશાનભૂમિ ધરાવતા નથી. આમ, સર્વેક્ષણ હેઠળના ૮૭.૨૦ ટકા ગામોમાં દલિતો સ્મશાનભૂમિ ધરાવતા નથી.

કેટલાક ગામોમાં સમિતિઓએ ‘કામગીરી કરી છે' એવું દર્શાવ્યું છે, પરન્તું ચોક્કસ કામગીરીનો ઉલ્લેખ નથી. એવા ગામોમાં સમિતિઓ માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી હશે એવું માનવાને પૂરતા કારણો છે.

સાત ગામોમાં સમિતિઓએ બજાવેલી કામગીરીમાં પાણીની પાઇપલાઇન, સ્ટ્રીટ લાઇટ વગેરે નંખાવવાના કે તળાવ ઉંડુ કરવાના કે દલિતવાસમાં સરંક્ષણ દિવાલ બનાવવાના કાર્યોના સમાવેશ થાય છે. આવી કામગીરી ખરેખર તો ‘કલ્યાણ રાજ્ય'ની રૂટિન ફરજનો એક ભાગ માત્ર છે. એને ‘સામાજિક ન્યાય'નું લેબલ આપીને શાસકોએ શું ધાડ મારી?

ગટરમાં ગુંગળાતું જીવન

વર્ષ ૨૦૦૪માં ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમે યોજેલા એક કાર્યક્રમમાં વાલ્મીકી સમાજના ૧૪૯ લાભાર્થીઓને રૂ.૧,૫૬,૮૮,૭૮૦ના ચેકો વહેંચવામાં આવ્યા હતા. જે રાજ્યમાં એક લાખથી વધુ વાલ્મીકી કુટુંબો આજે ગરીબી રેખાની જ નીચે નહીં, માનવ ગૌરવ રેખાની પણ નીચે જીવતા હોય, ત્યાં રૂ.૧.૫૬ કરોડ ચણા-મમરા બરાબર છે.

એક ઝેરી યાદી

ગટર અને ખાળકૂવાઓ સાફ કરતી વેળાએ મરણ પામેલાં સફાઈકામદારોની વિગતો મને મળી છે. ૧૯૮૯થી ૨૦૦૩ના સમયગાળાને આવરી લેતાં ગુજરાતી અખબારોની વૃતાંતો પરથી આ આઘાતજનક યાદી તૈયાર થઈ છે.

ગટર અને ખાળકૂવાઓ સાફ કરતી વેળાએ મરણ પામેલાં સફાઈકામદારોની વિગતો મને મળી છે. ૧૯૮૯થી ૨૦૦૩ના સમયગાળાને આવરી લેતાં ગુજરાતી અખબારોની વૃતાંતો પરથી આ આઘાતજનક યાદી તૈયાર થઈ છે.

ડ્રેનેજની મોટી ગટર સાફ કરવા ઉતરેલાં બે ભાઈઓની ઝેરી ગેસથી ગુંગળાઈને ડૂબી જતાં મરણતા. ૨૧--૮૯, ઉમરેઠ, જનસત્તા (આણંદ)

સુએઝ ડિસ્પોઝલ વર્કસમાં છેલ્લાં વર્ષમાં ૧૧ કર્મચારીઓ ફરજ દરમિયાન મરણ પામ્યા છે અને અન્ય વીસ જણા શ્વાસમાં તકલીફ, ટી.બી., કેન્સર, લકવા, હદય રોગ જેવી બીમારીનો ભોગ બન્યા છે. પ્રતિવર્ષ અંદાજે ત્રણથી ચાર યુવાન કર્મચારીઓ આ દુર્ગંધ અને ગેસયુક્ત વાતાવરણને લીધે કમોતે મરે છે. તા. ૧૭--૮૯, ગુજરાત સમાચાર (વડોદરા)

કેલીકો પૉલીએસ્ટર ફાઇબરમાં ડ્રેનેજ લાઇન સાફ કરવા ઉતરેલાં બે સફાઈ કામદારો ઝેરી ગેસના કારણે ૫૦ ફુટ ઊંડી ગટરમાં ગુંગળાઇ જવાથી ડૂબી જતાં મરણ પામ્યાં. તા. ૩૧--૮૯, સંદેશ (વડોદરા)

સી.એમ.સી. ગળીના રખાના પાસે (ઓઢવ) થી પસાર થતા રોડ ઉપર અન્ડર ગ્રાઉન્ડ ગટર સાફ કરવા ઉતરેલા બે મજૂરોના ગુંગળાઈ જવાથી મોત. તા.૨૪-૯-૮૯, સંદેશ (અમદાવાદ)

નવરંગપુરા, ભગવાનનગર છાપરાની ગટર સાફ કરવા ઉતરેલાં બે મજૂરોનાં ઝેરી ગેસથી ગટરમાં મોતતા. ૧૧--૯૦, જનસત્તા (અમદાવાદ)

મણીનગર, નરનારાયણ સોસાયટીની બાજુમાં, વી બંધાતી ડ્રેનેજના કામમાં ગટરલાઇનના મેનહૉલમાંથી માટી કાઢવાની કામગીરી દરમિયાન એક મજૂરબેન બેભાન થઈ ગયા. બે વ્યક્તિનું સારવાર સમયે મૃત્યુ. તા. ૧૭--૯૦, જનસત્તા (અમદાવાદ)

રણછોડ ધના હરિજન અને કાંતિ ધના હરિજન અંબાલાલ પટેલનો ખાળ કૂવા સાફ કરતા હતા ત્યારે ગેસની અસર થતાં બેભાન. તા. -૧૨-૯૦, સંદેશ (પીપરિયા. તા.વાઘોડિયા)

ગીતામંદિર બસસ્ટેન્ડ પાસે, ગટર સાફ કરતાં એક મજૂરનું ઝેરી ગેસથી મૃત્યુતા. ૨૬--૯૧, ગુજરાત સમાચાર (અમદાવાદ)

ખાનગી કંપનીના પટાંગણમાં ખાળ કૂવા સાફ કરતાં ત્રણ મજૂરોના ગુંગળાઈ જવાથી મોત.
તા. ૨૩--૯૨, જનસત્તા (અમદાવાદ)

એક ખાળ કૂવાની સફાઈ કરી રહેલા બે યુવાન મજૂરોના ડૂબી જવાથી મૃત્યુતા. ૨૩--૯૨, જનસત્તા (સૂરત)

વોર્ડ નં-૮ના બે સફાઈ કામદાર કારેલી બાગ વિસ્તારમાં મેનરોડ પર આવેલી ગટર સાફ કરતાં ગટરના ઝેરી ગેસથી બેભાન. સફાઈ કામદારો રમેશ હરિજન તથા જગુ નાડિયા. તા. ૨૩--૯૨, ગુજરાત સમાચાર (વડોદરા)

નિઝામપુર તરફ ચેમ્બર સાફ કરવા ગયેલાં મંગળ સોલંકી ઞેરી ગેસની અસરથી બેભાન.
તા. ૧૮--૯૨, ગુજરાત સમાચાર (વડોદરા

પ્રતાપ નગર પોલિસ ચોકી પાછળ રહેતો કાળીદાસ ચૌહાણ ગાજરવાડી પરેશનગરમાં ગટર સાફ કરતો હતો ત્યારે તેને ગેસ લાગતાં તેના હાથમાં સળગતી બીડી હોવાને કારણે દાઝી ગયો. તા. --૯૩, સંદેશ (વડોદરા)

રાંદેર રોડ ઉપર મેઇન ગટર જોડાણની કામગીરી દરમિયાન અંદર ઊતરેલા ત્રણ યુવાન કામદારો ગેસથી ગુંગળાઈ જતાં મૃત્યુ પામ્યા. છગન ભીલા, સુરસીંગ ઝાલા, તગ્ગા પરીમલ.
તા. --૯૩, ફુલ છાબ (સુરત)

ભરૂચના વેજલપોરના ગામડીવાડમાં ખાળ કૂવો સાફ કરતાં લાલજીભાઈ ચતુરભાઈ વસાવા, લઘુભાઈ સુકાભાઈ વસાવા ઝેરી ગેસની અસરથી મૃત્યુ પામ્યા હતા. તા. --૯૩, લોકસત્તા (ભરૂચ)

સફાઈ કામ કરતા ગટરમાં ઝેરી ગેસથી એક બેભાન. તા. ૧૯-૩-૯૪, સંદેશ (અમદાવાદ)

પીરાણા સુએઝ પંપીગ સ્ટેશન ખાતે કામ કરતા ગેસની અસરથી બે મૃત્યુ, એકને ગંભીર ઇજા.
તા. ૨૩--૯૪, ગુજરાત સમાચાર (વડોદરા

ગટરલાઇનની કામગીરી કરતાં ગુંગળામણથી બેનાં મૃત્યુ, ત્રણ ગંભીર હાલતમાં. તા. -૯૫, ગુજરાત સમાચાર (વડોદરા)

વસ્ત્રાપુર ગટરમાં ઉતરી સફાઈ કરતાં ઝેરી ગેસથી ગુંગળાઈ જતાં બે મૃત્યુ. તા. ૧૪--૯૫, ગુજરાત સમાચાર (અમદાવાદ)

મનપાના બે કર્મચારીઓ પાંડેસર જી.આઈ.ડી.માં ગટર સાફ કરવા જતાં ગુંગળાઈ મર્યાતા. ૧૦-૧૦-૯૫, ગુજરાત મિત્ર (સુરત)

માંડવી ગ્રામ પંચાયતની ૩૦ ફુટ ઊંડી મલમૂત્રની ગટરમાં પંચાયતના સ્વીપર શ્રી ચુનીલાલ ગાંડાભાઈ ચૌધરી ગુંગળાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા. તા. ૨૩--૯૬, ગુજરાત મિત્ર (સુરત)
પૂર્વ વિસ્તારના બાપુનગર નિકોલ ખાતે ગટર સફાઈ માટે અંદર ઊતરેલ સફાઈકામદાર વાલજીભાઈ સનાભાઈની લાશ મળી હતી. તા. ૨૧-૧૦-૯૬, ગુજરાત સમાચાર (અમદાવાદ)

ધી ગ્રાન્ડ ભગવતી હોટલમાં બે ભાઈઓ મેનહૉલ ગટર સાફ કરવા ઊતરેલા, તેમાં એક ભાઈનું મૃત્યુ અને એકની ગંભીર હાલતતા. ૨૪--૦૪, સંદેશ (અમદાવાદ) 
         
અખબારોમાં નહીં નોંધાયેલા બનાવો

સરખેજ વિસ્તારમાં ખાનગી કંપનીમાં કોન્ટ્રાકટ હેઠળ ગટર સાફ કરતાં બે વાલ્મીકી ભાઈઓના મૃત્યુ. -૨૦૦૩

પાલડી વિસ્તારમાં બે સગા ભાઈઓ (જેમના તાજેતરમાં લગ્ન થયા હતા) ગટરમાં સાફ કરતાં મૃત્યુ. તેઓ કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતા હતા.

કડી ગામે ગટર કામ સાફ કરવા ઊતરેલાં એક સફાઈ કામદારનું મૃત્યુ. ૨૦૦૨

નડિયાદ ખાતે ગટર સાફ કરવા ઊતરેલાં ચંદ્રકાન્તભાઈ લક્ષ્મણભાઈ (.૨૦) મૃત્યુ પામેલા. બનાવને આઠ વર્ષ થયાં છે.

આ યાદી દર્શાવે છે કે, ૧૯૮૯થી ૨૦૦૩ દરમિયાન ૫૪ સફાઈ કામદારોની ઘાતક વર્ણવ્યવસ્થાએ હત્યા કરી હતી. એક સંવેદનશીલ દલિત યુવાને આ યાદી તૈયાર કરી ન હોત, તો કદાચ આપણે એના વિષે હજુ અંધારામાં જ રહ્યો હોત.

હકીકતમાં, ઉપરોક્ત યાદી સફાઈ કામદારોના દર્દનાક મૃત્યુની ભીષણતાનો એક અંશ માત્ર ઉજાગર કરે છે. ગટરોમાં માર્યા ગયેલા લોકો અને તેમની પાછળ રહી ગયેલા લાચાર, નિર્ધન કુટુંબીજનો અને બાળકોનું કરૂણ વાસ્તવ શતહસ્ત્રગણું ઘાતકી હશે.

ટી.વી.ના કેમરાના ઝળહળતા પ્રકાશમાં મામૂલી રકમના ચેકોનું વિતરણ કરતા પ્રધાનો, રાજકારણીઓ અને સમાજકલ્યાણ અધિકારીઓને આપણે એક સવાલ પૂછવો જ જાઇએ કે, આ જીવલેણ વ્યવસ્થાનો ભોગ બનેલા, જીવતેજીવત મૂંગા રહેલા અને ગટરોમાં કાયમ માટે મૂંગામંતર થઈ ગયેલા અભાગીયા લોકોને પર્યાપ્ત વળતર આપવાની દરકાર ક્યારેય લીધી છે?

ગુજરાતના મુખ્યપ્રધાન જ્યારે રાજ્યપ્રેરિત નરસંહારની સ્ક્રીપ્ટ લખે છે, ત્યારે જ શું આ સફાઈ કામદારોને ‘હિન્દુ' ગણે છે?

હિમાલય ઊંચકવો સહેલો છે, માથે મેલું નહીં

માથે મેલું ઊંચકવાની પ્રથાના સત્તાવાર પણ ‘ગુપ્ત' રખાયેલ આંકડા સૌ પ્રથમ વાર જાતિ નિર્મૂલન સમિતિએ ૧૯૯૦માં પત્રિકા સ્વરૂપે બહાર પાડ્યા હતા. (પરિશિષ્ટ:૧). આંકડા સાથેનો એ અહેવાલ ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સાક્ષર ર.વ. દેસાઈના પુત્ર અને દિવંગત સમાજશાસ્ત્રી અક્ષયકુમાર દેસાઈએ તેમના મુખપત્ર ‘પડકાર'માં છાપ્યો હતો. ત્યાર બાદ, જનપથે પુસ્તકાકારે અને નવસર્જને વિડિયો કેસેટ બનાવીને આ સમસ્યાનું દસ્તાવેજીકરણ કર્યું હતું.

૧૯૯૦માં માથે મેલું ઉપાડવાની પ્રથાના આંકડા વિકાસ કમિશ્નરની કચેરીની ધૂળ ખાતી ફાઈલોમાંથી ખંખેરીને જાતિ નિર્મૂલને બહાર પાડ્યા ત્યારે જ એ છ-સાત વર્ષ જૂના હતા. ગુજરાતમાં આવી કોઈ સમસ્યા જ નથી એવી માનસિકતા એ વખતે પણ હતી અને આજે પણ છે.

અનુસૂચિત જાતિઓના કર્મશીલોની તા. ૧૯-૮-૨૦૦૨એ ગાંધીનગરમાં તત્કાલીન સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ફકીરભાઈ વાઘેલાએ બોલાવેલી એક બેઠકમાં માથે મેલુ ઉપાડવાની પ્રથા અંગે અઘતન સટેટ્સ રિપોર્ટ બહાર પાડવાનું મેં સૂચન કર્યું હતું. એનો અમલ થવાનું તો દૂર, એ બેઠકની કર્મશીલોને મોકલાયેલી મિનિટસમાં "ડબ્બા જાજરૂને સજળ જાજરૂમાં પરિવર્તન કરવાની સો ટકા કામગીરી થઈ છે." એવી તદ્દન ખોટી નોંધ મારા નામ સાથે મૂકવામાં આવી હતી. પરિણામે, ફકીરભાઈ વાઘેલાના અનુગામી રમણલાલ વોરાને ખુલ્લો પત્ર બજાવવાની મને ફરજ પડી હતી. (પરિશિષ્ટ:૨)

કેસ સ્ટડી
પ્રાંતિજના માથે મેલુ

ગામડું વિકાસની પ્રક્રિયામાં નગર બને છે, ત્યારે માથે મેલાની પ્રથા મુઠ્ઠીભર સફાઈકામદારોની અંગત પીડા મટીને વસતીના ખાસા વિશાળ સમુદાયને સ્પર્શતો નગરઆયોજનનો પેચીદો સવાલ બને છે એ નઘરોળ સત્ય હમણાં પ્રાંતિજ બરોની મુલાકાતમાં અમને લાગ્યું હતું.

૧૯૯૦માં અમે પ્રગટ કરેલી ગુજરાતની, માથે મેલુની પ્રથા ધરાવતી ૩૬ નગરપાલિકાઓની યાદીમાં પ્રાંતિજનું નામ ન હતું. આજે ૧૮,૦૦૦થી વિશેષ વસતી સાથે ‘બરો'નો દરજ્જો ધરાવતું અને ગણતરીના વર્ષો પછી ‘ક' વિભાગની નગરપાલિકા બનવા જઇ રહેલું પ્રાંતિજ ‘વાઈબ્રેન્ટ ગુજરાત'ની સૌથી ગંધાતી  નગરપાલિકાઓની યાદીમાં સ્થાન પામશે. માથે મેલું ઉપાડવાની પ્રથા આ દેશના અસંતુલિત વિકાસનું સૌથી નોંધપાત્ર ઉધાર પાસું છે. આ પ્રથા હજારો વર્ષ જૂની વર્ણ-વ્યવસ્થાની દેન છે કે આર.એસ.એસ.ના વડા સુદર્શન કહે છે તેમ મુગલોની ભેંટ છે એની ચર્ચા હવે અપ્રસ્તુત બની છે.

પ્રાંતિજ રોહિતવાસ, વાઘરીવાસ, સુમરવાસ, શીરણવાડીયા, બંબાવાસ, ભટ્ટીવાસ, બારકોટ વિસ્તાર, તપોધન વાસ, ભોઈવાસ, લાલ દરવાજા, ખોડીયાર કુવાથી માંડીને મારવાડીના ડેલામાં વસતી દલિત, મુસ્લિમ તેમ જ અન્ય પછાત વર્ગની કોમો ભયાનક ગંદકી અને બદબૂ વચ્ચે જીવે છે.

આ વિસ્તારોમાં ત્રણે ઠેકાણે વિશાળ વાડાઓ છે. સ્થાનિક લોકો પચાસ બાય પચાસ ફૂટના આ વાડાને 'ડબા'થી ઓળખે છે. આ ડબા કયારથી અસ્તિત્વમાં આવ્યા એ અંગે પ્રાંતિજ નગર પંચાયતના ભૂતપૂર્વ અધ્યક્ષ ભરતકુમાર પુરૂષોત્તમદાસ સોલંકીને પૂછયું ત્યારે એમની પાસે ચોક્કસ જવાબ ન હતો. ‘વર્ષોથી'. ‘આદિઅનાદિ કાળથી' એવો જવાબ તેમણે આપ્યો હોત તો એ સાવ ખોટો ન હતો. "અગાઉ પતરાંના વાડા હતા. પતરાં ઉખડી જાય, લોકો ફરિયાદ કરે એટલે ઇંટોનું પાકુ ચણતર કર્યું."

અમદાવાદની ચાલીઓના દલિતોના સાંકડમાંકડ ઘરોથી વિશેષ મોકળાશ નવરંગપુરા-સેટેલાઇટના શ્રીમંતોના અટેચ્ડ સંડાસ-બાથરૂમોમાં હોય છે અવું મજાકમાં હું ઘણી સભાઓમાં કહેતો. પ્રાંતિજના ‘ડબા' અમદાવાદના શ્રીમંતોના કમ્પાઉન્ડના બગીચાઓથી બેશક વિશાળ છે. ફરક એટલો છે ત્યાં રાતરાણીની મહેક છે, પ્રાંતિજમાં સાત નરકની માથુ  ફાટે એવી દુર્ગંધ છે.

વિધાનસભામાં વિરોધપક્ષના સભ્યો જેમ ‘વેલ'માં ધસી આવે એમ આસપાસના વિસ્તારની બહેનો દિવસ દરમિયાન આ ડબાઓની મુલાકાત લે છે. સવારના એમની સંખ્યા સવિશેષ હોય છે. ભાઈઓ ‘ડબા'માં જતા નથી, તેઓ નિસર્ગ ખોળે શૌચક્રિયા કરે છે. ભાઈઓ અને બહેનોમાંથી કોણ વિશેષ બદનસીબ છે એનો નિર્ણય ગુજરાતના એકમાત્ર મહિલાપ્રધાન આનંદીબેન કરશે?
વાડા ઉર્ફે ડબા નિયમિતપણે સાફ થતા નથી એવી લોક ફરિયાદ હતી. અઢાર વર્ષથી આ કામમાં જોતરાયેલા કમળાબેનને ‘તમે કેમ કામ કરતા નથી?' એવો પ્રશ્ન પૂછવાનો અર્થ જ ન હતો. "સવારે ૮-૦૦ વાગે સાફ કરૂં છું વાસની ટોપલીમાં એકઠું કરીને કોટની પાછળ નાંખુ છું. નગરપાલિકાએ વાંસની ટોપલી આપી છે. ચાર મહિને એક ઝાડુ આપે છે." રોજની સરેરાશ હજાર સ્ત્રીઓ જે સ્થળે મળત્યાગ કરે છે, ત્યાં કમળાબેન કોઈ પણ જાતની ફરિયાદ વિના અડીખમ ઉભા છે. એમની હિમંતને દાદ આપવી કે આ દેશના નીતિઘડવૈયાઓની નાલાયકીને ભાંડવી? "મહિને એક વાર ટ્રેક્ટર આવે છે. બધો મળ ભરીને બોખમાં નાંખી આવે છે" કલાક પછી આ બોખ જોઈ હતી. એક તળાવમાં બધું મેલું ફેકવામાં આવે છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની ઇકો-ફ્રેન્ડલી' ટેકનિક આને કહેવાય !

એક નજર બરોના સફાઈ મહેકમ પર નાંખી લઈએ. કુલ ૬૫ સફાઈ કામદારોમાં ૧૧ કાયમી છે, બાકીના રોજમદાર છે. ૪૫ વર્ષના કોદરભાઈ મણીલાલ ૨૦ વર્ષથી રોજમદાર છે. કાયમી કામદારને મહિને રૂ.૩,૦૦૦ પગાર મળે છે. "રોજમદારોને કાયમી કેમ કરવામાં આવતા નથી?" એવા પ્રશ્નનો જવાબ બરોના દલિત અધ્યક્ષ અરવિંદ પરમાર પાસે હતો. "જ્યાં મહેકમ ખર્ચ આવકના ૪૫ ટકા કરતા વધુ હોય, ત્યાં નવી જગ્યાઓ ઉભી કરવી નહીં. એવો સરકારી પરિપત્ર છે. મંજૂર થયલું મહેકમ ૩૬ સફાઈ કામદારોનું છે. ૬૫નું મહેકમ પણ વધારે પડતું છે" એમ તેમણે કહ્યું હતું.

વાડાની મુલાકાત અમે લઈ ચૂકેલા એટલે અમારી સમક્ષ વાડાનું અસ્તિત્વ જ નથી એવું કહેવાની ધૃષ્ટતા પરમારે કરી નહોતી, પણ સફાઈકામ વિષે એમણે કરેલો ખુલાસો ચીતરી ઉપજાવનારો હતો. "દરેક વાડામાં સફાઈ કામદાર મૂકેલો છે. એમની પાસેથી કામ લેવું સહેલું નથી. વાડા સાફ થતા નથી. એવા દર ચાર-પાંચ દિવસે ફરિયાદ આવે છે. અમે એમને (સફાઈ કામદારોને) ખખડાવીએ એટલે એ પાછા કામે જાય છે. અને વાડામાં ગંદકી? એ ગંદકી તો  ભૂંડીયાઓની હોય છે. ભૂંડીયા બધો મળ ખાઈ જાય છે એટલે મળ તો હોતો જ નથી. અહીં એટલા મોટાપ્રમાણમાં ભૂંડની વસ્તી છે કે મળનો આપોઆપ નિકાલ થઈ જાય છે. સફાઈ કામદારોને સફાઈ કરવાની જરૂર જ પડતી નથી." અમે મળ જોયો એ કોનો...?" "તો કહે છે, "એ મળ તો ભૂંડીયાઓના છે." માનવ મળ અને ભૂંડના મળ વચ્ચે કઈ રીતે ફરક કરવો એની ગંભીર મૂંઝવણમાં અમને એ દલિત અધ્યક્ષે નાંખી દીધી હતા.

"વેરાની આવક રૂ.૧૭ લાખ છે. તેની સામે વોટરવર્કસનો ખર્ચ વધારે છે. રૂ. ૩૬ લાખની વીજળી બીલ ચૂકવવામાં, રૂ. ૨ લાખ મેન્ટેનન્સ પાછળ અને રૂ. ૧૪ લાખ પગાર પેટે જાય છે." અધ્યક્ષે બરોની નબળી આર્થિક સ્થિતિ તરફ નિર્દેશ કરીને જણાવ્યું કે "વલ્ડ બેન્કનો, હળવા વ્યાજદારની ૭૦ ટકા લૉન અને ૩૦ ટકા સબસીડી સાથેનો રૂ. ૩ કરોડનો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયો છે. એમાં રૂ.૫૦ લાખનો ડ્રાફ્ટ મળી ગયો છે. પરંતુ, હજુ સુધી કામ શરૂ કર્યું નથી.

આઝાદીના પાંચ દાયકા પછી પણ દેશમાં નગર આયોજનના નામ મોટું મીડું છે. એનો એક નક્કર પુરાવો છે પ્રાંતિજ બરો. પાંચ વર્ષ પછી પ્રાંતિજમાં ગટર-વ્યવસ્થા આવી ગઈ હશે, અમદાવાદમાં ઠેર ઠેર બન્યા છે તેવા "પે એન્ડ યુઝ" શૌચાલય પણ બની ગયા હશે, ત્યારે હાથમાં ઝાડુ અને ઠેલણગાડી લઈને ઉભેલા કમળાબેન દૂરદર્શન પર અનુસૂચિત જાતિઓના ઉત્કર્ષ માટેની યોજનાઓની જાહેરાત નિહાળીને શું વિચારતા હશે?

કુંવરબાઈનું મામેરું : બેગર્સ હેવ નો ચોઇસ

અનુસૂચિત જાતિઓના ગરીબ કુટુંબોને લગ્ન પ્રસંગે મંગળસૂત્ર ખરીદવા આર્થિક સહાય આપવાની એક યોજનામાં અગાઉ સરકારે તરફથી રૂ. ૧,૫૦૦ આપવામાં આવતા હતા, તેમાં વધારો કરીને રૂ.૫,૦૦૦ આપવામાં આવે છે. વાર્ષિક આવક મર્યાદા રૂ. ૭,૫૦૦થી વધારી રૂ.૧૧,૦૦૦ કરવામાં આવી છે.

આ યોજનાનું નામ છે. ‘કુંવરબાઈનું મામરું'. મામેરું તો મામા આપે છે અને એમાં મંગળસૂત્ર હોતું નથી. મંગળસૂત્ર આપે છે પતિ. નબળા વર્ગો માટે અગાઉ સરકાર મા-બાપ હતી, હવે એ ભરથાર બની. ભાજપરૂપી પતિને વરેલી દલિત સમાજની નેતાગીરીને ફાળે અધિકૃત પત્નીની ભૂમિકા પણ આવતી નથી.

જમીનવિહોણાં દલિતોને જમીન આપવાના બદલે પાંચ હજાર રૂપરડી આપવાની યોજના ભૂખ્યાડાંસ બાળકને ભોજનને બદલે રમવા માટે ઘૂઘરો આપવા બરોબર છે. પચાસ વર્ષ પહેલાં વલ્લભભાઈ પટેલે ગણોતધારાનો અમલ કરીને પટેલો માટે સુખ-સમૃદ્ધિનો ‘ગોલ્ડન ટ્રાય એંગલ' રચી આપ્યો હતો. ગણોતીયાઓને આવા સરકારી મામેરાં આપીને ધરવવાનું વલ્લભભાઈને કેમ સૂઝયું નહીં? વલ્લભભાઈ લોખંડી પુરૂષ હતા. (લોખંડ પણ આખરે તો કટાય છે. તોય લોઢું એટલે લોઢું !) આજના દલિતનેતાઓ પિત્તળ પુરૂષો છે.

કુંવરબાઈ નરસિંહ મહેતાની સુપુત્રી હતી. કુંવરબાઈના લગ્ન ટાણે કૃષ્ણ શેઠ સગાળશાળાનું રૂપ ધારણ કરીને આવ્યા અને ભક્ત નરસૈયાની હુંડી સ્વીકારી હોવાની લોકમાન્યતા છે. હકીકતમાં, આવા કોઈ ભગવાન ક્યારેય પૃથ્વી પર આવ્યા નથી. વણિક શ્રેષ્ઠીઓ કોઈ ગરીબ બ્રાહ્મણની વહારે ના ચડે તો મનુ ખોટો પડે. શેઠ સગાશાળશાની વાર્તા બ્રાહ્મણ-વાણિયાના વર્ગમેળને દૈવી સ્વરૂપ આપવાના પ્રયાસમાંથી જન્મી છે. કવિ પ્રેમાનંદે શેઠ સગાળશા માટે "ગૌ-બ્રાહ્મણ પ્રતિપાળ" શબ્દ અમસ્તો વાપર્યો ન હતો.

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના

દલિતની અંતિમ ક્રિયા માટે ભાજપ સરકારે એક અફલાતૂન યોજના બનાવી અને એનું નામ રાખ્યું સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના' દલિતની ઠાઠડીના ખર્ચે પેટે રૂ.૧,૫૦૦ આપવાની યોજનાને આવું વિચિત્ર નામ ભગવા-ચિંતકોએ શા માટે આપ્યું હશે?

દંતકથા પ્રમાણે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રને એક ઋષિએ શ્રાપ આપ્યો હતો એટલે એને ગંગા કિનારે મૃતદેહોની અંત્યેષ્ટિ ક્રિયા કરતા એક ચંડાળના નોકર બનવું પડ્યું હતું. (ચંડાળ એટલે અસ્પૃશ્ય ડોમ, દલિત) એક ક્ષત્રિય રાજા માટે આનાથી મોટું અપમાન ક્યું? (સચિવાલયમાં એક દલિત અધિકારીના હાથ નીચે કામ કરતા સવર્ણ કર્મચારીને પૂછી જોજો)

આત્મગ્લાનિ અને અપમાનથી લજ્જિત થયેલાં એ રાજા હરિશ્ચંદ્ર પાસે એક સ્ત્રી એના મૃત બાળકનો અંતિમવિધિ કરાવવા આવે છે. નિર્ધન સ્ત્રી પાસે આ વિધિ માટે ચંડાળને ચુકવવાના નાણાં નથી. તે નતમસ્તક ઉભેલાં હરિશ્ચંદ્રને ઓળખી જાય છે અને કહે છે, "નાથ, આ તમારો પુત્ર રોહિત છે. તમે મને ના ઓળખી? હું તમારી પત્ની તારા" ચંડાળનો દાસ બનેલો રાજવી હોઠ ભીડીને તેની ધર્મપત્નીને ઓળખવાનો ઇનકાર કરે છે અને કહે છે કે "પહેલા પૈસા મૂક, પછી અંતિમવિધિ થશે."

એક ક્ષત્રિય રાજા હજારો વર્ષ પહેલાં એક દલિતનો નોકર બનીને અપમાનિત થયો હતો. મનુની ઓલાદો આ અપમાન આજે પણ ભૂલી નથી. એ અપમાનનો બદલો એમણે આજે લીધો છે. દલિતોની ઠાઠડીના પૈસા આપવાની યોજનાને "સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના" એવું નામ આપીને. કેસરીયો ખેસ નાંખીને પોમાતા ભાજપના દલિત નેતાઓ અને કાર્યકારો એમના પક્ષની સિદ્ધિઓની ડંફાશો મારતા મારતા આવી  કલ્યાણકારી' યોજનાઓની યાદી રજુ કરતા હશે ત્યારે સંઘ પરિવારની દુષ્ટબુદ્ધિ જમાત પોતાના ફળદ્રુપ ભેજાઓને શાબાશી આપતી હશે કે દલિતોને કેવા ઉલ્લૂ બનાવ્યા !

ફાળવણીમાં પરણ્યાં, સિદ્ધિમાં રાંડયા

મનમાં પરણ્યા અને મનમાં રાંડયા' આ કહેવત તો જાણીતી છે. દલિતો માટેની વિવિધ યોજનાઓને આ વાત બરોબર લાગૂ પડે છે. અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટે દર વર્ષે થતી અંદાજપત્રિય ફાળવણીમાંથી ખરેખર કેટલો ખર્ચ (એનો સત્તાવાર અર્થ સિદ્ધિ' છે!) થાય છે. એના કેટલાક આંકડા આ પ્રમાણે છે:
                                                            આંકડા કરોડમાં  
ક્રમ   વર્ષ         ફાળવણી       ખર્ચ/સિદ્ધી      વણવપરાયેલા  નાણા            
૧.     ૯૫-૯૬      ૬૯.૫૪         ૬૨.૪૩           ૭.૧૧
૨.     ૯૭-૯૮     ૧૧૦.૦૦         ૯૭.૦૦          ૩.૧૦
૩.     ૯૮-૯૯     ૧૨૭.૦૦         ૧૦૧.૦૦         ૨૬.૦૦
૪.    ૯૯-૨૦૦૦  ૧૪૫.૦૦         ૧૧૫.૦૦         ૩૦.૦૦
૫.    ૨૦૦૦-૦૧   ૧૬૬.૦૦        ૧૧૮.૦૦          ૪૮.૦૦       
       
ફાળવણીમાં આયોજન હેઠળના, આયોજન બહારના અને કેન્દ્ર પુરસ્કૃત નાણાંનો સમાવેશ થઈ જાય છે. ઉપરોક્ત પાંચ વર્ષ દરમિયાન વણવપરાયેલા નાણાં રૂ. ૧૧૪.૨૧ કરોડ થાય છે, જે કોઈ એક વર્ષના બજેટની ફાળવણી જેટલાં થાય છે. આનો અર્થ એવો થયો કે સમાજ કલ્યાણ ખાતુ દર પાંચ વર્ષ એક વર્ષનાં નાણાં ગુપચાવે છે. ફાળવણીમાં પરણ્યાં ને સિદ્ધિમાં રાંડયા તે આનું નામ !

એક મુખ્યપ્રધાનની ગુનાહિત અજ્ઞાનતા

અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, ૧૯૮૯ અનુસાર, આ કાયદા હેઠળ નોંધાયેલા ગુનાઓની તપાસ કરનારા અધિકારી તરીકે નાયબ જિલ્લા પોલીસ વડાથી ઊતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીની નિમણૂંક કરવાની જવાબદારી રાજ્ય સરકાર/ પોલીસ મહાનિયામક/ પોલીસ સુપ્રિન્ટેન્‍ડન્ટની હોય છે. આ અત્યંત જાણીતી બાબત છે.

તા. ૧૬-૪-૨૦૦૪એ ગુજરાત વિધાનસભામાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય ડૉ.દિનેશ પરમારે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ પૂછયો હતો: "માનનીય મુખ્યમંત્રી શ્રી (ગૃહ) જણાવવા કૃપા કરશો કે,

(૧) એટ્રોસીટી એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં તપાસ અધિકારી તરીકે ડી.વાય.એસ.પી કક્ષાથી ઉતરતી કક્ષાના ન હોય તેવા અધિકારીની નિમણૂંક કરવાની જવાબદારી જિલ્લા પોલીસ વડાની છે તે વાત સાચી છે?

મુખ્યપ્રધાનનો જવાબ કાયદા વિધાશાખાના સૌથી ઠોઠ નિશાળીયાને પણ આઘાત પમાડે તેવો હતો. માત્ર દેખાવથી બુદ્ધિશાળી લાગતા નરેન્દ્ર મોદી વાસ્તવમાં કેવા ડફોળ છે. એની પ્રતીતિ આ જવાબથી થાય છે. તેઓ કહે છે:

"ના, જી. પરન્તુ એટ્રોસીટી એક્ટ હેઠળ નોંધાયેલા તમામ કેસોની તપાસ ડી.વાય.એસ.પી. થી ઉપરના દરજ્જાના ન હોય તેવા અમલદારોએ કરવા માટે અનુ.જાતિ/જનજાતિ અધિનિયમો ૧૯૯૫ના નિયમ-૭ (૧)માં જોગવાઈ છે. જિલ્લા પોલીસ વડાની નથી.

‘ડી.વાય.એસ.પી.થી ઉપરના દરજ્જાના ન હોય' તેવા અધિકારી એટલે પોલીસ ઇન્સપેક્ટર અથવા પોલીસ સબ ઇન્સપેક્ટર. મોટા ભાગના એટ્રોસીટી કેસોમાં અદાલતો આરોપીઓને એટલા જ કારણસર છોડી મૂકે છે, કે તપાસ અધિકારી પોલીસ ઇન્સપેક્ટર હતો અથવા સબ ઇન્સપેક્ટર હતો. અમદાવાદની કાઉન્સિલ ફોર સોશ્યલ જસ્ટિસે એકઠા કરેલા આવા ૩૦૦ ચુકાદાઓ દર્શાવ છે કે, ૯૫ ટકા કેસોમાં આરોપીઓ સત્તાવાળાઓની બેદરકારીને કારણે જ છૂટી ગયા છે.

મુખ્યપ્રધાન મોદીની ગુનાહિત અજ્ઞાનતાનું વહીવટીતંત્રના છેક તળિયા સુધી સિંચન થયું છે. શાસકો પોતે આવા નઘરોળ હોય, ત્યાં સામાન્ય કારકૂન કે કોન્સ્ટેબલ પાસે કાયદાના પાલનની અપેક્ષા વાંઝણી છે.

ભગવા નીચે લોહી

વર્ષ ૨૦૦૨માં ગોધરામાં ટ્રેન  સળગવાની કમનસીબ ઘટના બની. મોટા પાયે હુલ્લડો ફાટી નીકળ્યા. ગુલબર્ગ સોસાયટી, નરોડા પાટીયા, સરદારપુરા, બેસ્ટ બેકરી જેવા હત્યાકાંડો સર્જાયા. આ હત્યાકાંડોમાં ગુજરાત સરકાર અને પોલીસની કેવી ભૂમિકા હતી એ તો હાલ સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહેલી સુનાવણીથી સુપેરે જાણવા મળે છે. વાસ્તવમાં, ટોચના પ્રધાનો અને અધિકારીઓની સાંઠગાંઠથી હત્યાકાંડો શરૂ થયા, ત્યારે સાચા ગુનેગારોને પકડવાને બદલે મોદી સરકારે દલિત-મુસ્લિમ વિસ્તારોમાં ઘરપકડોનો દોર ચલાવ્યો હતો.

૧ માર્ચ, ૨૦૦૨થી ૪ જૂન ૨૦૦૨ના ગાળા દરમિયાન અમદાવાદના ૩૩ પોલિસ સ્ટેશનોમાં કેટલી ધરપકડો થઈ એના આંકાડા કોષ્ટક:૧ માં આવ્યા છે.

કોષ્ટક ૧

ક્યા પોલીસ સ્ટેશનમાં કેટલી ધરપકડો થઈ?



પોલીસ સ્ટેશન         ધરપકડો        પોલીસ સ્ટેશન           ઘરપકડો


૧. અમરાઇવાડી            ૧૩૩           
૨. એલિસબ્રીજ              ૪૪          
૩. ઓઢવ                   ૨૭                 
૪. કાગડાપીઠ              ૧૫૦ 
૫. કારંજ                    ૫૬
૬. કાલુપુર                  ૪૪
૭. ખાડીયા                  ૩૪
૮. ગોમતીપુર               ૩૮૦
૯. ઘાટલોડિયા              ૧૮
૧૦. જી.આઈ.ડી.સી          ૪૪
૧૧. દરીયાપુર               ૩૬
૧૨. દાણીલીમડા            ૩૯૦
૧૩. નરોડા                   ૫૩
૧૪. નવરંગપુરા              ૩૮
૧૫. નારણપુરા               ૬૬
૧૬. બાપુનગર               ૩૭
૧૭. મણિનગર               ૯૩
૧૮. માધુપુરા               ૩૧૦
૧૯. મેઘાણીનગર            ૧૭
૨૦. રખિયાલ                ૩૪
૨૧. વટવા                  ૧૧૬
૨૨. વેજવપુર                ૪૩
૨૩. શહેરકોટડા               ૮૭
૨૪. શાહપુર                 ૧૧૨
૨૫. શાહીબાગ                ૭૭
૨૬. સરખેજ                 ૧૦૪
૨૭. સરદારનગર            ૨૮
૨૮. સેટેલાઇટ                ૪૯
૨૯. સાબરમતી             ૧૦૪
૩૦. સોલા                      ૯
૩૧. સોલા હાઇવે               ૧૨
૩૨. હવેલી                    ૧૮૬
૩૩. મેમનગર                   ૪
      કુલ                    ૨૯૪૫

કોષ્ટક: ૧ નો અભ્યાસ કરતા નીચેના કેટલાક મહત્વના તારણો નીકળે છે:

તા. ૧-૩-૨૦૦૨થી તા. ૪-૬-૨૦૦૨ દરમિયાન માત્ર અમદાવાદ શહેરના અને તેની નજીકના વિસ્તારોના બધા મળીને કુલ ૩૩ પોલીસ સ્ટેશનોમાં કુલ ૨૯૪૫ ધરપકડો થઈ હતી.
અડધો અડધ ધરપકડો દલિત-વિસ્તારમાં થઈ હતી. અમરાઇવાડીમાં ૧૩૩, કાગડાપીઠમાં ૧૫૦, ગોમતીપુરમાં ૩૮૦, દાણીલીમડામાં ૩૯૦, હવેલીમાં ૧૮૬ અને શહેર કોટડામાં ૮૭ મળીને કુલ ૧૩૨૬ ધરપકડો થઈ હતી. આમ, કુલ ધરપકડના ૪૫.૦૫ ટકા ધરપકડો માત્ર દલિત-બહુમતી ધરાવતા વિસ્તારોમાં કરવામાં આવી હતી.

દલિત-મુસ્લિમની જુગલબંધી ધરાવતા વિસ્તારોને અલગ તારવીને જોઈએ, તો ગોમતીપુરમાં ૩૮૦, દાણીલીમડામાં ૩૯૦ અને શહેરકોટડામાં ૭૮ મળીને કુલ ૮૫૭ ધરપકડોથઈ હતી. આમ, કુલ ધરપકડના ૨૯.૧૦ ધરપકડોમાત્ર દલિત-મુસ્લિમ વિસ્તારોમાં થઈ હતી.

જ્યાં ભયાનક હત્યાકાંડો થયા હતા એવા વિસ્તારોમાં જાણીબુઝીને ધરપકડો જ કરવામાં આવી ન હતી. મેઘાણીનગરમાં ૧૭, સરદારનગરમાં ૨૮ અને નરોડામાં ૫૩ ધરપકડો કરવામાં આવી હતી.

શું પોલીસ ગુલબર્ગ સોસાયટી અને નરોડા, પાટીયાના આરોપીઓને દલિત-વિસ્તારમાં શોધતી હતી ?

ઉશ્કેરણી કોણે કરી? ભોગ કોણ બન્યા?

અમદાવાદના પોલીસ સ્ટેશનોમાં થયેલી ઘરપકડોના આ આંકડાઓથી હજુ વાસ્તવિક ચિત્ર આપણને પ્રાપ્ત થતું નથી. એટલે કઈ કોમાના લોકોની કેટલી ધરપકડો થઈ એનું વિશ્લેષણ જોઈ લઈએ.

કોષ્ટક:  ૨

કોમ            ધરપકડો         ટકાવારી
હિન્દુ           ૧૫૭૭             ૫૩.૪૪
મુસ્લિમ ૧૩૬૮               ૪૬.૪૫

હિન્દુ કોમના લોકોની ઘરપકડોમાં બહુમતી હતી. પરન્તુ, લઘુમતી કોમના લોકોની ટકાવારી ૪૬.૪૫ ટકા હતી એ જોતાં એમની વસ્તીના પ્રમાણમાં મોટા પાયે ધરપકડો થઈ હતી એ સ્પષ્ટ છે. હિન્દુઓની ધરપકડો થઈ એમાં કઈ જાતિના લોકો સવિશેષ હતા એ જાણવું જારૂરી છે. 

કોષ્ટક : ૩

ધરપકડોનું જાતિ આધરિત વર્ગીકરણ

જાતિ              ઘરપકડો
બ્રાહ્મણ                 ૨
વાણિયા                ૨
પટેલ                 ૧૯
અન્ય સવર્ણો           ૯
દલિતો              ૭૪૭
બક્ષીપંચની કોમો   ૭૯૭

આમ, પકડાયેલા ૧૫૭૭ હિન્દુઓમાં બ્રાહ્મણ, વાણિયા, પટેલ સહિતના સવર્ણોની સંખ્યા માત્ર ૩૩ હતી. શું નરેન્દ્ર મોદી, પ્રવિણ તોગડીયા, અશોક ભટ્ટની સવર્ણ-બિરાદરીએ પોલીસને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી કે સવર્ણોની ધરપકડો કરવી જ નહી, ભલે પેન્ટાલૂનમાં મારૂતીમાં બેસીને સવર્ણો લૂંટફાટ મચાવે કે જજના બંગલા સામેની હોટલ સળગાવે? સમગ્ર અમદાવાદમાં મુસ્લિમોની હોટલો તહસનહસ કરવામાં આવી. આ તમામ હોટલો સવર્ણ-વિસ્તારોમાં હતી. કેમ એમની ધરપકડો કરવામાં આવી નહીં?

પકડાયેલા ૧૫૭૭ હિન્હુઓમાં માત્ર ૩૩ સવર્ણો હતા. બાકીના ૧૫૪૪ બક્ષીપંચના અને દલિતો હતા. અને એમાં પણ દલિતોની સંખ્યા ૭૪૭ હતી. એટલે કે હિન્દુઓમાં દલિતોની સંખ્યા અડધોઅડધ હતી.

ગોધરા-કાંડ પછી અમદાવાદમાં મુસ્લિમોની માલ-મિલકતને નુકશાન પહોંચાડવાના મોટા ભાગના બનાવો પશ્ચિમ અમદાવાદના સજ્જન, સમૃદ્ધ, સવર્ણ વિસ્તારોમાં બન્યા હતા. છતાં આ વિસ્તારમાં પોલીસે કોઈને હાથ અડાડયો ન હતો. પેન્ટાલૂન જેવા સ્ટોર્સ લૂંટવામાં સવર્ણો મોખરે હતા, છતાં પોલીસે તહોમતદારોની યાદી બહાર પાડી એમાં આંબેડકર કોલોનીના દલિતોના નામ મૂક્યા અને ગુજરાતના અખબારોએ બોક્ષ આઇટમ બનાવીને છાપ્યા હતા. બીજી તરફ, દલિત-મુસ્લિમ વિસ્તારોમાં કોમી દાવાનળ ફેલાવવ જાણીજોઇને દલિતો અને મુસ્લિમોની મોટા પાયે ઘરપકો કરવામાં આવી હતી.

ગરીબોને રોટલો વહાલો, રામ મંદિર નહીં!

અમદાવાદમાં દલિતોની વસ્તી ૧૭ ટકા છે. શહેરની ૪૦ લાખ વસ્તીમાં સાત લાખ દલિતો છે. દલિતોમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે, એનો અંદાજ ૧૯૯૮માં સ્કૂલ ઑફ પ્લાનીંગ નામની અમદાવાદની પ્રતિષ્ઠિત સંસ્થાએ કરેલા એક સર્વેક્ષણમાં મળે છે. (જુઓ કોષ્ટક: ૪)

અમદાવાદમાં ગરીબી રેખા જીવતા અનુસૂચિત જાતિના કુટુંબો (૧૯૯૮)

અ.ન વિસ્તાર   સંખ્યા

૧. ખાડીયા                     ૮૧
૨. કાલુપુર                     ૦૧
૩. દરિયાપુર                   ૩૦
૪. રાયખડ                    ૩૦૦
૫. શાહપુર                    ૭૫૦
૬. જમાલપુર                   ૬૦
૭. પાલડી                     ૪૨૮
૮. વાસણા                   ૧,૪૮૩
૯. ગાંધીગ્રામ                  ૪૦૯
૧૦. નવરંગપુરા                ૧૫૦
૧૧. સરદાર સ્ટેડીયમ          ૬૬૭
૧૨. નારણપુરા                 ૨૫૩
૧૩. વાડજ                    ૧,૧૧૭
૧૪. જૂના વાડજ              ૧,૮૬૬
૧૫. સાબરમતી               ૧,૯૦૭
૧૬. દૂધેશ્વર                     ૫૯૩
૧૭. ગીરધનગર              ૧,૦૦૭
૧૮. માધુપુરા                 ૧,૫૦૧
૧૯. અસારવા                 ૨,૧૮૧
૨૦. નરોડા રોડ               ૨,૯૫૭
૨૧. સરસપુર                    ૬૫૦
૨૨. પોટલીયા                 ૧,૩૫૦
૨૩. કુબેરનગર                  ૭૩૬
૨૪. સરદારનગર                ૭૫૦
૨૫. સૈજપુરબોઘા              ૧,૫૪૭
૨૬. ઠક્કરબાપાનગર            ૧૨૦
૨૭. નરોડામુઠીયા               ૩૪૭
૨૮.બાપુનગર                   ૮૩૫
૨૯. રખીયાલ                ૧, ૩૦૩
૩૦. ગોમતીપુર               ૧,૨૫૦
૩૧. રાજપુર                  ૧,૬૪૨
૩૨. અમરાઇવાડી             ૪,૨૮૫
૩૩. ભાઇપુર/હાટકેશ્વર         ૧,૭૩૫
૩૪. નિકોલ રોડ                  ૧૫
૩૫. ઓઢવ                     ૯૮૮
૩૬. ખોખરા મહેમદાવાદ       ૧૧૬
૩૭. મણીનગર                 ૬૪૧
૩૮. કાંકરીયા                 ૧,૬૬૫
૩૯. બહેરામપુરા              ૨,૫૩૩
૪૦. દાણીલીમડા                ૬૮૧
૪૧. બાગેફીરદોશ                 ૯૧
૪૨. વટવા                       ૯૮૪
૪૩. ઇસનપુર                    ૪૭૧

     કુલ                             ૪૨,૪૭૬

આ સર્વેક્ષણ પરથી આપણને કેટલાક મહત્વના તારણો પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે છે.

અમદાવાદ શહેરમાં ગરીબી રેખા નીચે જીવતા અનુસૂચિત જાતિઓના કુટુંબોની સંખ્યા ૪૨,૪૭૬ છે.

કુટુંબ દીઠ સરેરાશ પાંચ સભ્યોની સંખ્યા ગણીએ, તો ૨,૧૨,૩૮૦ લોકો ગરીબી રેખા નીચે જીવે છે.

અર્થાત્, અમદાવાદના દલિતોની ૩૦ ટકા વસ્તી ભયાનક ગરીબીમાં સબડે છે.

ગુજરાતમાં ૧૯૯૯-૨૦૦૦માં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની ટકાવારી ૧૪.૦૭ છે. આમ, સામાન્ય ગુજરાતીઓ કરતા દલિતોમાં ગરીબીનું પ્રમાણ બમણું છે.

આ આંકડો અમદાવાદ જેવા આર્થિક પાટનગરનો છે, ગામડાઓમાં પરિસ્થિતિ આનાથી પણ બદતર છે.

ગરીબીના આંકડા કે આંકડાની ગરીબી?

સરકાર સ્કુલ ઑફ પ્લાનીંગ જેવી પ્રતિષ્ઠિત સંસ્થા પાસે સર્વેક્ષણ કરાવે છે, એ કેટલું વિશ્વસનીય છે એનો અંદાજ એક જ ઉદાહરણ પરથી કાઢીએ. ઉપરોક્ત સર્વેક્ષણમાં કાલુપુર વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની સંખ્યા માત્ર ૧ (એક) દર્શાવી છે. કાલુપુર વિસ્તારમાં અમે કરેલા સર્વેક્ષણ પ્રમાણે આવા કુટુંબોની સંખ્યા ૨૦ (વીસ) છે.

સમગ્ર ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવતા અનુસૂચિત જાતિના કુટુંબોની યાદી ગ્રામ વિકાસ કમિશ્નરની કચેરીએ બહાર પાડી છે. આ યાદી કોષ્ટક: ૫ માં આવી છે.
કોષ્ટક: ૫
ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવતા અનુસૂચિત જાતિના કુટુંબો

નં      જીલ્લો            કુલ                            અનુસૂચિત જાતિ
                       ૧૯૯૨             ૧૯૯૮        ૧૯૯૨       ૧૯૯૮
૧.    અમદાવાદ      ૧,૭૮,૩૨૨      ૮૧,૩૮૪      ૨૫,૪૮૯     ૧૩,૫૩૩
૨.    અમરેલી           ૯૩,૮૧૮       ૭૦૩૮૩      ૧૪૫૫૩      ૧૨૧૬૮
૩.    કચ્છ             ૧૦૧૨૩૩        ૫૬૧૯૨       ૧૬૮૦૮     ૧૦૧૦૮
૪.   ખેડા              ૧૩૦૭૧૫       ૧૭૫૦૯૮       ૧૨૬૭૭     ૨૧૫૧૧
૫.   ગાંધીનગર        ૨૨૪૮૫         ૧૬૪૭૪        ૧૯૫૫        ૯૬૮
૬.   જામનગર          ૮૧૬૬૨         ૬૮૩૬૧       ૧૦૭૬૮     ૧૧૧૦૪
૭.   જુનાગઢ           ૧૫૬૬૫૫        ૬૬૦૫૧       ૨૮૧૭૭     ૧૫૧૯૨
૮.   ડાંગ                  ૨૭૬૮૮       ૩૨૬૪૬            ૨૦        ૧૨૩
૯.   પંચમહલ           ૩૫૫૦૮૪      ૩૬૪૫૮૧       ૧૪૯૬૮      ૧૩૦૧૯
૧૦. બનાસકાંઠા          ૧૭૬૫૯૯     ૧૩૭૮૯૨        ૩૦૩૨૧     ૨૪૪૧૦
૧૧.  ભરૂચ               ૧૬૭૯૯૭     ૧૩૯૩૪૪         ૮૧૨૬      ૬૮૨૦
૧૨.  ભાવનગર           ૧૪૪૪૧૮     ૬૬૫૮૮       ૧૫૫૪૦       ૮૧૯૫
૧૩.  મહેસાણા            ૧૩૩૪૪૫     ૭૨૪૩૭        ૦૭૮૭       ૧૧૯૫૬  
૧૪.  રાજકોટ            ૧૪૧૫૦૫      ૬૭૫૬૩        ૧૯૨૦૫      ૧૦૬૪૮ 
૧૫.  વડોદરા             ૧૭૧૨૮૫     ૮૬૯૧૫        ૧૩૬૨૨        ૪૬૨૮
૧૬.  વસલાડ              ૧૪૫૩૧૨    ૧૪૨૨૨૯        ૩૮૫૪       ૪૨૪૧
૧૭.  સાબરકાંઠા           ૧૫૬૮૬૯    ૯૬૯૫૫        ૧૯૧૨૯      ૧૦૫૯૧   
૧૮. સુરત                 ૧૪૫૩૧૨     ૧૯૧૮૧૯        ૪૮૪૮        ૪૩૧૩
૧૯. સુરેન્દ્રનગર            ૮૮૫૭૨      ૪૨૩૭૫       ૧૭૨૬૮       ૭૯૬૪
      કુલ              ૨૬,૧૮,૯૪૦    ૧૯,૭૫,૨૬૭    ૨,૭૭,૮૧૫   ૧,૯૧,૪૯૨          

તમે જોશો કે અમદાવાદ જિલ્લામાં ૧૯૯૮માં આવા કુટુંબની સંખ્યા ૧૩૫૩૩ દર્શાવી છે. અમદાવાદ શહેરના ૪૨, ૪૭૬ દલિત કુટુંબો ક્યાં ખોવાઈ ગયા?

આ અભ્યાસ પરથી જણાય છે કે સરકાર દલિતોની ગરીબીનું સાચુ ચિત્ર રજુ કરતી નથી.

દલિતોને સવાલ

આપણે આપણી ગરીબી સામે લડવું છે, કે આપણી આંખે કેસરિયા પાટા બાંધીને, ગળામાં ‘જય શ્રી રામ'નું માદળિયું લટકાવીને હાથમાં ત્રિશૂળ પકડાવીને મુસ્લિમો સામે લડવા પાનો ચડાવતા હરામખોરોની માયાજાળમાં ફસાવું છે?

ભારત ઉદય: કોનો ઉદય? કોનો અસ્ત?

બે હજાર વર્ષથી ભારતનું અર્થતંત્ર વર્ણ-વ્યવસ્થાને પ્રતાપે બંધ હાલતમાં હતું. ૧૯૪૭માં આઝાદી આવી અને અર્થતંત્ર થોડુંક ખુલ્યું હતું. દલિતો માટે નોકરીઓના દરવાજા ઉઘડ્યા હતા. ૧૯૯૧થી કહેવાતા આર્થિક સુધારા અને ખાનગીકરણની શરૂઆત સાથે અર્થતંત્ર ફરી બંધ થઈ રહ્યું છે અને તેઓ કહે છે કે અર્થતંત્ર ખુલી રહ્યું છે. આવો ઉદારીકરણ પછીની સ્થિતિને આંકડાઓની નજરે જોઇએ.

કોષ્ટક :૬

                  સમયગાળો     વસ્તી વધારાનો     લેબલ ફોર્સનો
                                     વાર્ષિક વૃદ્ધિ દર    વાર્ષિક વૃદ્ધિ દર

                    '૭૨ થી '૭૭        ૨.૨૭ ટકા          ૨.૯૪ ટકા
                    ’૯૩ થી   '૯૯      ૧.૯૩ ટકા          ૧.૦૩ ટકા

                        સમયગાળો       રોજગારનો વાર્ષિક વૃદ્ધિ દર
                          ’૭૨ થી  '૭૭      ૨.૭૩ ટકા     
                           '૭૭ થી '૮૩        ૨.૧૭ ટકા
                           ’૮૩ થી  '૮૭        ૧.૫૪ ટકા
                           ’૮૭ થી  '૯૩        ૨.૪૩ ટકા
                            '૯૩ થી ’૯૯         ૦.૯૮ ટકા
               
ભારત સરકારના પ્રકાશન ‘આર્થિક સર્વેક્ષણ ૨૦૦૧-૨૦૦૨'માં પ્રગટ થયેલા આ ત્રણેય કોષ્ટકોના અભ્યાસ પરથી જણાય છે, કે

૧૯૭૨થી ૧૯૭૭ના ગાળામાં રોજગારીનો વાર્ષિક વૃદ્ધિ દર ૨.૭૩ ટકા હતો. ઉદારીકરણ પછી, ૧૯૯૩ થી ૧૯૯૯ના ગાળામાં રોજગારીનો વાર્ષિક વૃદ્ધિ દર ૦.૯૮ ટકા થયો હતો.

સંગઠિત ક્ષેત્રમાં રોજગારીનો વાર્ષિક વૃદ્ધિ દર ’૮૩-'૮૪માં ૧.૨૦ ટકા હતો, તે ઘટીને '૯૪-૨૦૦૦માં ૦.૫૩ ટકા થયો.

વેપાર, બાંધકામ, પરિવહન, સંગ્રહ, સંદેશાવ્યવહાર જેવા અંસઠીત ક્ષેત્રમાં થોડી ગણી રોજગારી વધી છે.

છેલ્લા ૧૦ વર્ષમાં ચાર ચીજોનું પ્રમાણ વધ્યું છે. બેકારી, ભ્રષ્ટાચાર, મોંઘવારી અને મોબાઇલ.


પરિશિષ્ટ : ૧

જ્યાં સુધી વાલ્મીકીના માથે મેલું છે. ત્યાં સુધી ......... મીનીસ્ટરોને એરકન્ડીશન્ડ ગાડીઓ અને ઓફિસામાં બેસવાનો અધિકાર નથી.

શું ગુજરાતના ગામડાઓ અને શહેરોમાં માથે મેલુ (ડબા જાજરૂ) ઉપાડીને જતા વાલ્મીકી (ભંગી)ની કાળજું કંપાવનારી પરિસ્થિતી બદલાઈ છે ખરી? વર્ષ ૧૯૬૯-૭૦ના ગાંધી શતાબ્દી ઉજવણી વર્ષથી ભંગી કષ્ટ મુક્તિ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો હતો. હાલમાં આંબેડકર શતાબ્દી ઉજવણી વર્ષ ચાલે છે. ગાંધી શતાબ્દીથી આંબેડકર શતાબ્દીના આ ૨૧ વર્ષ દરમિયાન શું ખરેખર ભંગી કષ્ટ મુક્તિ થઈ છે ખરી?

ભંગી કષ્ટ મુક્તિ કાર્યક્રમના ચાર ઉદેશો હતા. ૧ ઘરાકી પ્રથાની નાબૂદી ૨. માથે મેલું (ડબા જાજરૂ) ઉપાડવાની નાબૂદી, ૩. નવા ડબા જાજરૂ બંધાતા અટકાવવા, ૪. ચાલુ ડબા જાજરૂનું સડાંસમાં પરિવર્તન કરવું. શું આ ચાર ઉદેશોમાંથી એક પણ ઉદેશ સાકાર થયો છે ખરો? માંત્રરોળ, મોરબી, વઢવાણ તેમજ જૂનાગઢ નગરપાલિકાઓમાં આજે પણ ઘરાકી પ્રથા મોજૂદ છે. સમાજસલ્યાણ ખાતુ ઘરાકી પ્રથા બંધ કરાવી શક્યું નથી.

માથે મેલું ઉપાડવાની પ્રથા આજે પણ ગુજરાતની ૩૨ નગરપાલિકાઓમાં ચાલું જ છે. એના ચોકાવનારા આંકડાઓ નીચે મુજબ છે.

૫૦૦થી ઓછા જાજરૂ.

નગરપાલિકા      જાહેર          ખાનગી       કુલ

૧. ઉમરેઠ           ૪૦             ૧૫         ૫૬
૨. પેટલાદ          ૮૦              -          ૮૦
૩. ખંભાત            -             ૧૦૫       ૧૦૫        
૪. દાહોદ            -              ૨૯૬        ૨૯૬
૫. રાજપીપળા      -              ૧૧૨        ૧૧૨
૬. નવસારી         -              ૧૧૩        ૧૧૩
૭. મહેસાણા       ૧૧૧               -         ૧૧૧       
૮. કડી              ૮૪              ૨૧        ૧૦૫        
૯. પાટણ            ૩૬           ૧૯૮         ૨૩૪
૧૦. વઢવાણ         -             ૨૨૫         ૨૨૫
૧૧. અમરેલી         ૭૬          ૨૯૮         ૩૭૪
૧૨. ભાવનગર         -             ૪૯          ૪૯
૧૩. પાલીતાણા       –             ૬૭           ૬૭
૧૪. સાવરકુંડલા      ૧૪૬            –         ૧૪૬
૧૫. બોટાદ           –               ૧૩          ૧૩
૧૬. વાંકાનેર          –                ૪૦        ૪૦
૧૭. માંગરોળ         –              ૧૯૦       ૧૯૦
૧૯. વેરાવળ          –             ૩૬૫         ૩૬૫
૨૦. પાલનપુર       ૪૪            ૨૨૯         ૨૭૩
૨૧. માંડવી           ૧૭            –             ૧૭

૫૦૦ થી ૧૦૦૦ ડબ્બા જાજરૂ

૨૨.  ધોળકા          ૨૦૬          ૩૮૦          ૫૮૨
૨૩.  સરદારનગર      -            ૮૭૫         ૮૭૫
૨૪.  બીલીમોરા       ૨૫           ૫૮૧          ૬૦૬
૨૫.  ધ્રાગંધ્રા          ૮૦           ૪૪૦         ૫૨૦
૨૬.   ગોંડલ           ૧૬           ૮૬૦          ૮૪૬
૨૭.   જેતપુર          ૪૪          ૭૦૨          ૭૪૬
૨૭.   જુનાગઢ         ૩૯           ૫૨૯          ૫૬૮                      

૧૦૦૦ થી વધુ ડબ્બા જાજરૂ

૨૯.  વિરમગામ       ૩૭૭           ૬૮૯          ૧૦૬૬
૩૦.  ભરૂચ            ૩૬૮           ૧૫૧૩          ૧૮૫૧
૩૧.  વલસાડ          ૭૭           ૨૦૨૮          ૨૧૦૫
૩૨.  ગોધરા           -              ૧૨૨૭           ૧૨૨૭
૩૪.  ધોરાજી           -             ૧૦૩૭           ૧૦૩૭
૩૫.  મોરબી         ૨૦૨            ૧૨૭૬           ૧૪૨૮
૩૬.  જામનગર      ૫૨૫            ૬૦૪૩          ૬૬૬૮
                                                                                                                     આ ઉપરાંત ગામડાઓમાં ૩૨,૯૯૩ ડબા જાજરૂ અસ્તિત્વમાં છે. ટૂકમાં, ગુજરાતના ૩૬ નગરપાલિકાઓમાં ૨૩,૧૩૬ તેમજ ગામડાઓમાં ૩૨,૯૯૩ મળીને કુલ ૫૬,૧૨૯ સ્થળોએ માથે મેલું ઉપાડવાની પિશાચી પ્રથા મોજૂદ છે એટલે કે, ગુજરાતમાં ૫૬,૧૨૯ સફાઈ કામદારો એવા છે, કે જે બંધુવા મજદૂર (બોન્ડેડ)ની વ્યાખ્યામાં આવતા નથી. પરન્તુ, એમની દશા બંધુવા મજૂદર કરતા પણ લાખો ગણી બદતર છે.

૫૬,૧૨૯ સફાઈ કામદારોને જીવતા નર્કમાંથી છોડાવવાનું કામ યુદ્ધના ઘોરણે થવું જોઇએ. જ્યાં સુધી વાલ્મીકીના માથે મેલું છે, ત્યાં સુધી મીનીસ્ટરોને એરકન્ડીશન્ડ ગાડીઓ અને ઓફીસોમાં બેસવાનો કોઈ જ અધિકાર નથી. આઈ.એ.એસ. અધિકારીઓએ એમની ડાયરીમાંથી ‘પ્લાનીંગ' શબ્દ ભૂસી નાંખવો જોઇએ અને ધારાસભ્યો-સંસદસભ્યોએ મોંએ મેશ ચોપડી લેવી જોઇએ.

એશિયાડ જેવા સ્ટેડીયમો નહીં બંધાય તો ચાલશે, પણ વાલ્મીકીના માથે મેલું નહીં ચાલે. ભારત એકાદ ઉપગ્રહ ઓછો છોડશે તો ચાલશે, પણ વાલ્મીકીને મેલું ઉપાડવાની ફરજ પાડતો પૂર્વગ્રહ તોડ્યા વિના નહીં ચાલે. ટી.વી. ઉપર ક્રિકેટ-ફૂટબોલની રમતો નહી બતાવાય તો ચાલશે, પણ જાતિવાદની એ મેલી ફિલમ બંધ કર્યા વિના નહીં ચાલે. નર્મદા યોજના સાકાર નહીં થાય તો ચાલશે. પણ વાલ્મીકીના જીવનમાં હરીયાળી નહીં આવે તો ગુજરાતની જીવાદોરી ભયમાં છે. અરે, રાષ્ટ્રપતિના માથે છત્રછડી ચામર નહી હોય, તો પણ ચાલશે, વાલ્મીકીના માથે મેલું છે ત્યાં સુધી હિન્દુસ્તાનનું માથું શરમથી ઝૂકેલું જ રહેશે.

વાલ્મીકીના માથેથી મેલું હટાવવું જ પડશે. એને સાફ સુધરો ઉજળો વ્યવસાય આપવો જ પડશે. વાલ્મીકી વિકાસ બોર્ડ સમયની માંગ છે. ૧૦૦ કરોડની જોગવાઇ પણ ઓછી છે. વાલ્મીકી સમાજે સંગઠિત થઇને પોલાદી તાકાત બતાવવી પડશે. હાથ જોડીને કગરવાથી મળતું નથી. સંગઠન અને સંઘર્ષ એક માત્ર વિકલ્પ છે.

આંબેડકર શતાબ્દી ઉજવણી વર્ષ પૂરું થાય એ પહેલા વાલ્મીકીના માથેથી મેલું હટવું જોઇએ. જરૂરી ચર્ચા વિચારણા માટે તેમ જ પગલા સમિતિની રચના માટે તા. ૨૪-૮-૯૦, સાંજે ૬-૦૦ કલાકે અપનાબજારની લોનમાં લાલદરવાજા ખાતે મળનારી મીટીંગમાં મિત્રો સહિત પધારો.

તા.૧૮-૮-૯૦.

પરિશિષ્ટ :૨

મંત્રી શ્રી રમણભાઈ વોરાને રાજુભાઈ સોલંકીનો ખુલ્લો પત્ર

માનનીય શ્રી. તા.૧૯-૮-૨૦૦૨નો રોજ સરકીટ હાઉસ, ગાંધીનગર ખાતે તત્કાલીન સામાજિક ન્યાય અને અધિકારિતા, નશાબંધી અને આબકારી અને બિનનિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી શ્રી ફકીરભાઈ વાઘેલાના અધ્યક્ષસ્થાને અનુસૂચિત જાતિઓના સર્વાંગી ઉત્કર્ષ માટે અનુ.જાતિઓના કર્મશીલોની વિચારગોષ્ઠિ યોજાઇ હતી. અનુસૂચિત જાતિ કલ્યાણ મંત્રાલયના નિયામકે તા. ૧૧-૧૧-૦૨ના પત્રક્રમાંક અજાક/છ/૧/૨૦૦૨/૪૦૬૪થી ૪૧૨૪ મારફતે વિચારગોષ્ઠિમાં ભાગ લેનાર કર્મશીલો તેમજ શ્રમ અને રોજગાર, મહેસૂલ, શિક્ષણ, ગૃહ ઉધોગ અને ખાણ, કાયદા વિભાગોના સચિવો તેમજ વિકાસ કમિશ્નર, ગાંધીનગર નિયામક, નગરપાલિકા નિયામક, ગાંધીનગર, વિશેષ પોલીસ અધિકારી, પોલીસ ભવન, ગાંધીનગર, મેનેજીંગ ડિરેક્ટર, અનુ.જાતિ આર્થિક વિકાસ નિગમ, સર્વે શાખા અધિકારીશ્રીઓ ક, ખ, જ, ગ, ગ-૧, ચ, મ, ન તેમજ અંગત સચિવ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીને ઉપરોક્ત વિચારગોષ્ઠીની કાર્યવાહીની નોંધ લેખિત સ્વરૂપમાં પહોચાડી હતી.

આ બેઠકમાં સર્વશ્રી આર.એમ.પટેલ, સચિવ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, સોમચંદભાઈ મકવાણા, ઇન્દુભાઈ જાની, વાલજીભાઈ પટેલ, જયંતી પરમાર, જયંતી ઉસ્તાદ, રઘુનાથ સાકરિયા, નરસિંહ વોરા, રાજુ સોલંકી, શ્રીકાંત શર્મા, આર.પી.પરમાર, એમ.કે.પરમાર, જયવર્ધન હર્ષ, વસંતભાઈ ચૌહાણ, કમળાબેન ગુર્જર, રણછોડ સોલંકી તથા એન.જે.પરમાર તેમ જ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયામક સહિતના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિચારગોષ્ઠીમાં  ભાગ લેનારા કર્મશીલોએ રજુ કરેલા મોટાભાગના મુદ્દાઓ અંગે ઘટતું કરવાની' બાંયધરી ફકીરભાઈ વાઘેલાએ આપી હતી, તેમ છતાં કર્મશીલોને મોકલવામાં આવેલી વિચારગોષ્ઠીની કાર્યવાહીની નોંધમાં ક્યાંય પણ માનનીય પ્રધાને કરેલા ‘કમિટમેન્ટસ'નો રજમાત્ર ઉલ્લેખ નથી. જેમાં માત્ર કર્મશીલોની રજૂઆતના મુદ્દા જ હોય અને સામા પક્ષે સરકારના વલણ અંગે ઢાકપીછોડો કરવામાં આવ્યો હોય એવી એક તરફી નોંધ વિચારગોષ્ઠીને ‘સુરૂચિપૂર્ણ ભોજન સાથેનો સરકારી પ્રપંચ' બનાવે છે, એમ કહેવું લગીરે ખોટું નથી.

આ ગોષ્ઠીમાં મેં રજૂ કરેલા મુદ્દાઓ પૈકીના એક મુદ્દાની લેખિત નોંધમાં તો મેં જે કંઇ કહ્યું હતું, તેનાથી તદ્દન વિપરીત નોંધ કરવામાં આવી છે. ગોષ્ઠિમાં મેં નીચેના મુદ્દા રજુ કર્યા હતા.

૧. અનુસૂચિત જાતિઓના ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોનો સરકાર દ્વારા થયેલો સર્વે ખોટો છે. હું જ્યાં રહુ છું એ કાલુપુર વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા અનુસૂચિત જાતિના કુટુંબોની સંખ્યા ૧ (એક) દર્શાવવામાં આવી છે. જો એક કુટુંબ ગરીબી રેખા નીચે જીવતું હોય તો તેને ગરીબી રેખાની ઉપર લાવી દો. કોની રાહ જુઓ છો? હવે પછી જો કોઈ એન.જી.ઓ કે સરકારી, અર્ધ સરકારી સંસ્થાને સર્વેનું કામ સોપવામાં આવે તો સૌ પ્રથમ ક્રેડીબીલીટી તપાસવી જોઇએ. દલિતોની આર્થિક પરિસ્થિતીના આંકડા શા માટે છુપાવવા જોઇએ? વાવાઝોડું, પુર, ધરતીકંપ જેવી કૃદરતી આપત્તિઓ વખતે જાનમાળની ખુવારીમાં આંકડા છુપાવવાથી કઇં કેન્દ્રની વધારે સહાય મળતી નથી. દલિતોની વાસ્તવિક પરિસ્થિતિના સાચા આકંડા રજુ કરો અને કેન્દ્રમાંથી વધારે સહાય મેળવો.

૨. માથે મેલું ઉપાડવાની પ્રથા આજે પણ ચાલુ છે. આ પ્રથાના સૌ પ્રથમ આંકડા જાતિ નિર્મૂલન સમિતિએ ૧૯૯૦માં બહાર પાડ્યા હતા. ડેવલપમેન્ટ કમિશ્નરના પોતાના એ આંકડા હતા. સરકારી તુમારોમાં ધરબાઈ ગયેલા એ આંકડા બહાર લાવવાનું કામ અમે કર્યું હતું. આજે ઠેલણગાડીઓના ઉપયોગને કારણે ટેકનીકલી ‘માથેથી' મેલું ખસી હાથમાં આવી ગયું છે. કેટલીક એન.જી.ઓ. ચોક્કસ ગામના દ્રષ્ટાંતો હાઈલાઈટ કરે છે, પરન્તુ સમગ્ર ગુજરાતમાં આ માનવીય પ્રથાના છેલ્લામાં છેલ્લા આંકડા દર્શાવતો સર્વે હજુ થયો નથી. તો અંગેની અઘતન સટેટ્સ રિપોર્ટ સમાજકલ્યાણ વિભાગે બહાર પાડ્યો જોઇએ.

૩.કૃષિ જમીન ટોચમર્યાદાના કાયદા હેઠળ સરકારે સંપાદીત કરેલી જમીન દલિતોને ફાળવવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં કોર્ટ મેટર બનવાની સંભાવના ધરાવતી જમીનો જાણી બુઝીને દલિતોને ફાળવવામાં આવે છે. ફકીરભાઈ જે જિલ્લાના પ્રભારી છે એ સુરેન્દ્રનગરમાં અમારી જાત તપાસમાં આવા દાખલા જાણવા મળ્યા છે તો આવી કોર્ટ મેટરવાળી જમીનો અંગે અઘતન સટેટ્સ રિપોર્ટ તૈયાર થવો જોઇએ અને એવા કિસ્સાઓમાં દલિત ખેતમજૂરોને નવેસરથી બિન-વિવાદાસ્પદ ટાઈલ્સ ધરાવતી જમીનો ફાળવવી જોઇએ.

૪. તાજેતરમાં કોમી હુલ્લડોમાં ભાજપના રાજકીય એજન્ડાને પાર પાડવા દલિત-મુસ્લિમ વિસ્તારોમાં વિહિપ, બજરંગદળ, આરએસએસના લોકોએ દારૂ પીવડાવીને, તલવારો વહેંચીને, ભાડૂતી ગુન્ડાઓ બહારથી બોલાવીને મોટા પાયે ઉશ્કેરણી કરી હતી. પરિણામે, પહેલી માર્ચ, ૨૦૦૨થી ત્રીજી જૂન, ૨૦૦૨ સુધીમાં અમદાવાદ શહેરમાં થયેલી કુલ ૩૪૦૬* ઘરપકડોમાંથી મોટાભાગની ધરપકડો દલિત, મુસ્લિમ અને બક્ષીપંચના લોકોની થઈ હતી. અમદાવાદમાં થયેલી કુલ ધરપકડો પૈકીની વીસ ટકા ધરપકડો માત્ર દાણીલીમડા અને શહેરકોટડા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં થઈ હતી. એક તરફ તોફાનો માટે ઉશ્કેરણી કરવામાં આવી હતી અને બીજી તરફ ભાજપની સવર્ણ પોલીસે દલિતો અને મુસ્લિમો પર સીતમ ગુજાર્યો હતો. અમદાવાદમાં થયેલી કુલ ૩૪૧૬ ઘરપકડોમાં મુસ્લિમોની સંખ્યા ૧૦૪૨, દલિતો ૫૦૦ અને બક્ષીપંચના કોમના લોકોની સંખ્યા ૮૬૪ હતી. દસેક જેટલા પટેલોની ધરપકડ કરવામાં આવી હતી. દલિતોને આર્થિક બરબાદીના માર્ગે ધકેલનારા આ ષડયંત્ર અંગે માનનીય ફકીરભાઈ શું કહેવા માંગે છે?

વિચારગોષ્ઠીની કર્મશીલોને મોકલવામાં આવેલી લેખિત નોંધમાં મારો બે નંબરનો મુદ્દો આ પ્રમાણે મૂકવામાં આવ્યો છે.

૨. ડબ્બા જાજરૂને સજળ જાજરૂમાં પરિવર્તન કરવાની સો ટકા કામગીરી થઇ છે. હવે તેનો અઘતન સટેટ્સ રિપોર્ટ બહાર પાડવો જોઇએ.

સમાજકલ્યાણ પ્રધાન તરીકે આપ આપના પુરોગામી ફકીરભાઈ વાઘેલાની પરંપરા ચાલુ રાખશો કે કેમ તેની તો ખબર નથી અને અમારો એવો આગ્રહ પણ નથી, પરન્તુ કમ સે કમ મારા મુદ્દાઓને યથાતથ રજુ કરવામાં આવે એવો આગ્રહ છે. અજાક/છ/૧/૨૦૦૨/૪૦૬૪થી ૪૧૨૪ દ્વારા મોકલાયેલી વિચારગોષ્ઠીની લેખિત નોંધમાં સુધારો કરવા સંબંધિત અધિકારીને જણાવશો, તેવી અપેક્ષા રાખું તો વધારે પડતી નહી ગણાય.

(સમાજ મિત્ર, જૂન-૨૦૦૩)